પાંચમા ખામણા સાધુ સાધ્વીજીઓને
પાંચમા ખામણા, પાંચ ભરત, પાંચ ઇરવત, પાંચ મહાવિદેહ અઢીધ્વીપ ક્ષેત્રને વિષે, બિરાજતાં સાધુ સાધ્વીજીને કરૂં છું તેઓ જધન્ય હોય તો બેહજાર ક્રોડ સાધુ સાધ્વી અને ઉત્ક્રુષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો.
તે સ્વામી કેવા છે ? પાંચ મહાવ્રત પાલણહાર છે, પાંચ સમતિએ અને ત્રણ ગુપ્તીએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાળણહાર, આઠ મદના ગાળણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્યચર્યના પાલણહાર, દશ વિધ યતિ ધર્મના અજ્વાલિક, બાર ભેદે તપશ્ચર્યા કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીસ પરિષહના જિતણહાર, સત્તવીશ સાધુજીના ગુણે કરી સહિત ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાળણહાર સચેત્તના ત્યાગી, અચેત્તના ભોગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદિ અનેક ગુણે કરી સહિત છે.
ધન્ય સ્વામીનાથ આપ ગામ, નગર, પૂર, પાટણને વિશે બિરાજો છો. હું અપરાધી દીન કિંકર ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે જે કાંઈ અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.
(અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)
અને સાધુ સાધ્વીજી બિરાજતાં હોય તો તેમની પાસે જઈને નીચેની ગાથા બોલી ત્રણ વખત ઊઠ બેસની વંદના કરવી.
સાધુ વંદે તે સુખીયા થાય, ભવોભવનાં પાતક જાય;
ભવ ધરીને વંદે જેહ, વહેલો મુક્તિમાં જાશે તેહ
ભૂજો ભૂજો કરીને ખમાવું, બે કર જોડી શીશ નમાવું;
તમે મુક્તિ જવાના છો કામી, વંદન કરીએ સિમંધર સ્વામિ.